Saturday, April 20, 2019

પ્રેમની ક્ષણ

💞પ્રેમની ક્ષણ💞

પ્રેમની ક્ષણ જીવનમાં

ખરેખર અદ્ભુત છે

ચાહું છું તને દિલથી

એ વાત હકીકત છે.

સૌંદર્ય તારું કેવું ભવ્ય !

જાણે ચાંદનીનું તેજ લ્યો.

પણ આમ તો સમય આ 

કેટલો સુંદર લાગે વનવાસી !

ચોતરફ તારું પ્રેમનું વન છે.

જોવા આ નઝારો થાકતી

નથી મારી આ બે આંખો

એટલે તો જીવનની હર

ક્ષણ તારી સંગ માણી.

  ✍રાજેશ બારૈયા "વનવાસી "

વૃક્ષો વાવો

    🌿 વૃક્ષો વાવો🌿 

વૃક્ષો વાવો ભાઈ વૃક્ષો વાવો ,

વરસાદી મોસમમાં વૃક્ષો વાવો.

આંગણામાં શેઢે-પાળે વૃક્ષો વાવો,

પડતર જમીનમાં વૃક્ષો વાવો .

ધોવાણ થતી જમીનમાં વૃક્ષો વાવો.

કરશે જળ-જમીનનું જતન વૃક્ષો ,

વૃક્ષો બચાવો સુખનો છાંયડો માણો.

વૃક્ષોમાં શ્યામ છે , વૃક્ષો વાવો,

દરેક વ્યક્તિ આ વાતને સમજો.

વૃક્ષો થકી છે , જીવન વૃક્ષો વાવો . 


    ✍રાજેશ બારૈયા "વનવાસી "

શેર :પ્રેમ

પ્રેમના  ફુલની  પાખડી છે ,

એટલે ખુશ્બુ આપણી છે.

        -રાજેશ બારૈયા 'વનવાસી'

Friday, April 19, 2019

પ્રકૃતિનાં પ્રથમ મિત્ર



     પ્રકૃતિના પ્રથમ મિત્ર 


ખડક ખસ્યાને સરોવર બની ગયા ,

વરસાદ વરસ્યોને જળભર્યા બની ગયા.

ઊગી ગયા વૃક્ષ ત્યાં વન બની ગયા,

અહિં વસ્યા તે વનવાસી બની ગયા .

પાનખર આવી પહોચી અહિં પણ,

અંતે ચોતરફ લીલાછંમ બની ગયા .

કોલાહલથી ગૂંજી ઉઠી ચારેય દિશાઓ,

નદીઓના જળ ખળ-ખળ બની ગયા.

પ્રેમ ના પામ્યાં તો શું થયું મિત્રો 

પ્રકૃતિનાં પ્રથમ મિત્ર બની ગયા .

           ✍રાજેશ બારૈયા "વનવાસી "

હું વડલો

હું વડલો 


એક રાત્રે સપનામાં 

હું ગીરની ગોદમાં 

વડલો થઈને ઊગી જાવ છું 

ઊભો ઊભો જોયા કરું 

ગીરનાર ની ટોચ 

જેમ જોગીની જટા વધે

એમ વધે મારી વડવાઇ 

મારી ડાળી પર બેચી 

પંખીઓ મીઠા ગીત ગાઇ 

વડવાઇ ની ગફોલમાં 

સિંહ બાળા ગેલ કરે 

ગીરનો સાવજ ગર્જના કરે

જોગી ની ધુણી સામે અખંડ 

આ પ્રાણી પ્રેમ અને પંખી ગીત 

હું ગીરનારની ગોદમાં 

વડલો બની જોયા કરું સપનામાં

         ✍રાજેશ બારૈયા "વનવાસી "

મહેંકી જાવું

        મહેંકી જાવું 


મારી પાંપણમાં રોજ તારે ફરકી જાવું, 

કાં હળવેથી આંખોમાં સરકી જાવું,

ધીરેથી આવીને મારાં કોમળ ગાલમાં,

એકલ હોઠોનાં આ ઝીણા શા ગાનમાં,

વનવાસી મારે ગીત થઈ ગવાઈ જાવું, 

સુંદર નિશાની શર્મિલી આશમાં,

તાજી ફૂટેલ પેલી કુંપળનાં પાનમાં, 

કોઈ દિ ઝાકળ બુંદ થઈ સમાઈ જાવું,

ધરતીની ભીની-ભીની લહેરાતી રાતમાં, 

છોડવાની કૂણી લીલીછંમ વાતમાં.

ફૂલની ફોરમ બની તારે મહેંકી જાવું, 

મારી પાંપણમાં તારે ફરકી જાવું.

      ✍રાજેશ બારૈયા "વનવાસી "

હાઈકુ

  કમ્પ્યુટર માં 

પતંગિયું ફૂલની 

ખુશ્બુ શોધે .

-રાજેશ બારૈયા "વનવાસી"

વનસ્પતિ પરીચય :ગોરસ આંબલી

ગોરસ આંબલી 

ગોરસ આંબલી/ જંગલ જલેબી, (વિલાયતી આંબલી)
 મધ્યમ કદનું વૃક્ષ સદાપર્ણી હોય છે. પાંદડાં સંયુક્ત હોય છે. ફૂલો ગુચ્છામાં હોય છે. ફળ ગોળ જલેબી જેવાં હોય છે. અંદરના કાળા ઠળિયા ઉપર નરમ ગર હોય છે. લોકો તે ગર સ્વાદથી આરોગે છે.

->ગોરસ આંબલી વનસ્પતિ ફોરેન રીટર્ન છે એટલે કે મૂળ ઉત્પત્તિ સ્થાન મેક્સિકો છે ત્યાંથી અમેરીકા અને મધ્ય એશિયા થઈ ભારત માં આવેલ .આ વગડાઉ વનસ્પતિ ના જલેબી જેવા ફળ “કાતરા” ના નામે ઓળખાય છે

->સસ્તામાં અને વિશેષ ચરોતરના ખેતરોમાં ઠેર ઠેર જોવા મળતી ગોરસ આંબલી ઉત્તમ ફળ છે

->મેક્સિકોમાં ગોરસઆંબલી દાંત ના દુખાવો માં પરંપરાગત દવા તરીકે વપરાય છે કેમકે તે નબળા પેઢાં ને મજબૂત બનાવે છે. ગોરસઆંબલી મોઢાં ના ચાંદા ને તથા દાંત માંથી આવતાં લોહી ને પણ મટાડે છે .
->ઉનાળાની સિઝન માં ખાન – પાન ને લીધે વારંવાર ઝાડા કે મરડો (આંકડી ઝાડા) ની તાસીર વાળા ને સિઝન માં રોજ સવારે 100 ગ્રામ ગોરસઆંબલી નુ સેવન કરવુ જોઈએ.

# માહિતી સંકલીત છે ...

Thursday, April 18, 2019

વનસ્પતિ પરીચય :ધરો

ધરો

=>ધરો,ધ્રો, ધ્રોખડ અથવા દૂર્વા એક પ્રકારની વનસ્પતિ અને ઘાસનો પ્રકાર છે.
=>તેનું વૈજ્ઞાનિક નામ Cynodon dactylon છે. વનસ્પતિશાસ્ત્રના વર્ગીકરણ પ્રમાણે તે પોએસી કુળનું સભ્ય છે.
=>ભારતીય સંસ્કૃતિમાં ગણપતિ પૂજન અને અન્ય પૂજનોમાં ધરો વપરાય છે. આને પવિત્ર અને માંગલિક માનવામાં આવે છે.
=>લોહીવા-રતવાનું એ ઉત્તમ ઔષધ છે. ગર્ભાશયની વીકૃતીને લીધે ગર્ભ રહેતો ન હોય, ગર્ભ સુકાઈ જતો હોય, બાળકો જીવતાં ન હોય તો તાજી લીલી ધરોને ચટણીની જેમ વાટી-લસોટી રસ કાઢવો. ત્રણથી ચાર ચમચી ધરોનો તાજો રસ સવાર-સાંજ ત્રણ-ચાર માસ પીવાથી ગર્ભાધાન થઈ તંદુરસ્ત બાળક જન્મે છે. દુર્વા અત્યંત શીતળ છે.
=>ઘાસના રૂપમાં તેની અનેક વિશેષતાઓ છે. જેમકે- પાણીના અભાવે એક વાર સુકાઈ જવાનો વારો આવે, તો પણ પાણીની પ્રાપ્તિ થતાં તે ફરી લીલીછમ થઈ જાય છે.
 =>મૂળમાંથી ખેંચી કાઢવામાં આવે, અને બીજે રોપવામાં આવે, તો બીજા સ્થળમાં પણ તે જામી જાય છે. પોતે ટૂકડાઓમાં વહેંચાઈને પોતાના પરિવારની વૃદ્ધિ કરતી રહે છે. 
=>ધરોના આ પ્રકારના જીવન ઉપરથી પ્રેરણા મેળવવા માટે તેનો પૂજાના કાર્યમાં પ્રયોગ કરાયો છે.
=>વ્યાપારીઓ ચોપડા પૂજન વખતે ચોપડામાં નાગરવેલના પાનની સાથે ફૂલ અને ધરોને પણ ચોપડામાં પધરાવે છે. એની પાછળની ભાવના એવી હોય છે કે અમારું વ્યાપારનું કાર્ય પણ ક્યારેક ધનના અભાવે કે મંદીના કારણે ઓછું થઈને સુકાવા લાગે, તો પણ ફરી પાછું ધનની સગવડ થતાં કે તેજીની સ્થિતિ આવતાં વ્યાપાર પાછો, લીલોછમ થઈ જાય

Wednesday, April 17, 2019

બાળક

બાળક  ઈશ્વરનું  રૂપ એ હકીકત છે , 

બાળકમાં ઈશ્વર વસે એ હકીકત છે .

                 ✍રાજેશ બારૈયા "વનવાસી"

કુંપળ

એક  તાજી કૂંપળ ફૂટીયાની વાત છે.

આજ તો કુદરતના કમાલની વાત છે.

                         ✍રાજેશ બારૈયા "વનવાસી"

પ્રેમ


     


પ્રેમ જ્યારે શ્રેષ્ઠ બની જાય છે , 

શબ્દ ત્યારે મૌન બની જાય છે 


                  ✍રાજેશ બારૈયા "વનવાસી"

ચાલો કુદરતની કેડીએ :ગુજરાતનાં પક્ષી

🕊ગુજરાતનાં પક્ષી અને ભય 🐦

સવાર -સાંજ પક્ષી જ્યારે આકાશે ઉડે છે , 

નીચે ધરતી અને ઉપર આકાશની હુફે ઉડે છે .

         પ્રકૃતિ કરોડો વર્ષની મહેનત બાદ એક સજીવ જાતિને જન્મ આપે છે અને મનુષ્ય પોતના સ્વાર્થ ખાતર એ સજીવ જાતિનો જોત જોતામાં ખાતમો બોલવી દે છે .પૃથ્વી પર આવા અનેક દાખલાઓ આજ સુધી  નોંધાયેલ દરેક સજીવ પોતે લુપ્ત ન થાય તે માટે સતત પ્રયત્નશીલ હોય છે .કુદરતે પણ બધા સજીવોને આ માટે ભરપૂર શક્તિ આપે છે.તમામ પ્રકારનાં કુદરતી પરિબળો સામે તથા અન્ય દુશ્મન સજીવોથી બચવાની શક્તિ કુદરતે તમામ જીવોમાં આપી છે .આપણે હવે એ વાતનો ખ્યાલ આવી ગયો છે કે પ્રદૂષણ , પ્રાણીઓ અને પક્ષીઓના આવાસ્થાનો નાશ પામવા ઓઝોન વાયુના સ્તરને નુકશાન વગેરે માનવીય પ્રવૃતિઓની સજીવ સૃષ્ટી ઉપર શું અસર થાય એ વિશે જોતા અને વાંચતા હોયએ છીએ .
        આપણા ઇતિહાસમાં એક નજર નાંખીએ તો પક્ષીઓનું આપણા દેશમાં સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વ છે .તેના કારણે ઊભી થયેલ આજ કારણથી આપણને મંદિરોની નજીકમાંy વટવૃક્ષની હાજરી જોવા મળતી હોય છે .આપણા શહેરોનાં અને ગામડાંઓના નામકરણ સાથે પણ પ્રકૃતિ અને વૃક્ષો  જોડાયેલાં છે જેમ કે વડના વૃક્ષ પરથી વડોદરા જેના રસ્તા પર વડનાં વૃક્ષોની મોટી સંખ્યામાં હાજરી જોવા મળે છે .
        બિશ્ નોઈ નામની જાતિ રાજસ્થાનમાં પકૃતિ સંરક્ષણને પોતાનો ધર્મ સમજે એના ઉપદેશ મુજબ લીલા વૃક્ષને કાપવું પક્ષીને મારવું એ મહા અપરાધ ગણવામાં આવે આજે પણ આ જાતિના લોકો આ ઉપદેશનું પાલન કરે છે અહીં પશુ પક્ષી મુક્ત વિચરતા જોવા મળે છે .
          હવે વાત કરવી છે પક્ષીઓની ..
દુનિયામાં પક્ષીઓની દસેક હજાર જાતના પંખીઓ છે .આમાંથી 11% એટલે કે લગભગ 1100 જેટલા પંખીઓને પક્ષી માટે કામ કરતી આંતરરાષ્ટીય સંસ્થાઓએ જોખમગ્રસ્ત ગણ્યા એશિયાખંડમાં 12% પંખીનેy જોખમગ્રસ્ત છે .
     એમાં ભારતમાં 1224 જેટલી જાતોમાંથી 78 જાતોને જોખમગ્રસ્ત માનવામાં આવે છે.ગુજરાતની વાત કરીએ તો 21 જાતિઓ જોખમગ્રસ્ત કક્ષામાં આવે છે ગુજરાતનાં ગામડામાં 18થી 20 વર્ષ પહેલા દેખાતું ગીધપક્ષી  આજના સમયમાં ખૂબ જ જોખમગ્રસ્ત છે.એમાં પણ સફેદ પીઠ ગીધની સંખ્યા ગણીગાંઠી  જગ્યાએ હવે ભાગ્યે જ જોવા મળે તેની સંખ્યા ખૂબ ઝડપથી છેલ્લા 20 વર્ષમાં અત્યંત ચિતાજનક ઝડપે તેની સંખ્યા ઘટી ગઈ છે મેં જ મારી નજરે 15-20 ની સંખ્યામાં 22 વર્ષ પેલા ગામડાઓ માં જોયેલા પણ હવે તે પછી ક્યાંય જોવા નથી મળતા . ગિરનારી ગીધ તે પણ સાવ નજીવી સંખ્યામાં બચ્યા છે . ને હમણા જે પક્ષીની ચર્ચા અને ચિંતા જનક વાત થાય છે .તે કચ્છ અને ઉતર ગુજરાતનું મોટું પંખી ઘોરડ Great Indian Bustard વિંડી અને વગડામાં વસતું તેનો અવાજ એકાદ કિલોમીટર સુધી દૂર સંભળાય છે .પણ છેલ્લા થોડા વર્ષમાં આ  વગડો ઓછો થયો ઉધોગનો વિકાસ પામ્યા રસ્તા બન્ય અને આ પક્ષીને રહેઠાણ માટે જગ્યાનો અભાવ નડ્યો તેથી તેમની સંખ્યા ખૂબ ઝડપી ઘટી ગય છે તેમાં પણ તે વિસ્તારમાં પવન ચક્કી નાં કારણે આ ઘોરડ પર ખૂબ અસર પડી છે .એક રીપોટ મુજબ આઠ-નવ માદા ઘોરડ પક્ષી વચ્ચે નર એક જ ઘોરડ બચ્યાનું બહાર આવ્યું છે .આ લુપ્ત થવાને આરે છે .
      આવાતો કેટલાય પક્ષીઓ ભયના આરે જીવે છે ખડમોર , ડાંગી ચીબરી, રામ ચકલી , ઘુવડ સાવ ઓછા થતા જાય છે .ગુજરાતનાં દુર્લભ પક્ષીઓમાં સારસ , પેણ, ઘોરડ , ગાંજહંસ , ટિલોર , સફેદ પીઠ ગીધ , નીલશીર , સુરખાબ , કાળો તેતર , સોનેરી બાટલ, કાળી ડોક ઢોક , કાળી વા બગલી , સફેદ ડોક ઢોક, ભેટી , રાજગીધ , રણ ગોધલો વગેરે યાદી ખૂબ લાંબી છે .પણ પક્ષી બચાવવા દરેકની જવાબદારી છે ઉતરાયણ તહેવારમાં આપણે ત્યા ખૂબ પાકા દોરા વડે પતંગ ચગાવીએ છીએ પેલા આવા પાકા દોરા નો ઉપયોગ નતો થતો પાકા દોરાથી કેટલા પક્ષીને હણી નાંખીએ છીએ જે સંખ્યા ગણી ગાંઠી છે તે પણ જોખમાય આ તહેવાર માં હજારો પક્ષી મોતને ભેટે છે .જે પક્ષી લુપ્ત ને આરે છે તે હણાય તો તે સાવ લુપ્ત થય જાય .પક્ષી સવારે માળા માંથી ખોરાકની શોધમાં જાય ને સાંજે પાછાફરે આ સમય માં આપણે પતંગ ના ચગાવીએ એના રસ્તામાં અડસઠ ઊભી નાં કરીએ તો પક્ષી બચાવવા આપણે પણ પ્રયાસ કરીએ જો કોઈ પક્ષી ઘાયલ  જોવા મળે તો પક્ષી સરવાર હેલ્પલાઇન માં સંપર્ક કરી જાણ કરીએ ..

પક્ષીઓ કહેવા લાગ્યા એની વ્યથાની વાર્તા ,

રહેવું ક્યા હવે આકાશમાં પણ અવરોધની વાર્તા.


 

✍રાજેશ બારૈયા "વનવાસી

આર્ટિકલ :-વ્યસનથી મુક્તિ

      વ્યસનથી મુક્તિ

       આપણે પ્રાણીઓ માટે એક કહેવત છે, 'ઊંટ' મુકે આંકડો 'બકરી' મુકે કાંકરો પણ બુધ્ધી શાળી ગણાતા માનવી કંઇ મુકતો નથી ઝેર પણ પીવે છે.'

મૂળથી છુટા પડી જતા વૃક્ષપર વસંતની કોઇ અસર થતી નથી સંસ્કૃતિ સંસ્કારથી વંચિત રહી જતી પેઢી પર સદનિમિતોની અસર થશે કે કેમ એમાં શંકા છે .

સિંગરેટના દરેક પેકેટ પર અને દરેક સિગરેટ પર સિંગરેટ પીવી એ સ્વાસ્થય માટે હાનીકારક છે આવુ છાપેલ હોવા છતા આજનો માનવી તે ખાય છે.બાજુવાળો તમારા ઘરનાં આગણામાં તેમનો તમામ કચરો નાખવા આવે તો આપણે તેમને નાખવા નથી દેતા પણ રોજ આપ આપના પવિત્ર શરીરમાં પધરાવતા ગુટકા, માવા, તમાકુ માટે કોઇ દિવસ મન સાથે ઝઘડો કરેલ શરાબ જેવા કેફી પીણા તમારા શરીરમાં દાખલ કર્યા બાદ તમારા સંબંધીએ ના પાડવા છતા તેમને છોડીયા છે ખરા....

 ભલે મોત આવી જંતુ હોય અને આ શરીરથી વહેલા વિદાય થઈ જવું પડે પણ ગુટકા તો બંધ નહીંજ કરું દારૂ તો નહીંજ છોડુ સિગરેટ તો બંધ નહી કરું આવી વાતો કરનાર માટે એટલું કહેવાનું કે તારા શરીર પર તારા એકલાનો અધિકાર નથી તને મોટો કર્યો તે માતા-પિતા તારા છોકરા- પત્ની બધાનો અધિકાર છે.તો શા માટે આમ શરીરને જાતે કરી આ પરિસ્થિતિમાં નાખે છે તારા માટે તો નહી તારા નાના બાળકો માટે તો આ વ્યસન ના ભરડામાંથી મુક્ત થા.

આજના જમાનામાં જીવનનું સત્યનાશ કાઢનાર દારૂ, સિગારેટ અને ગુટકા જેવા વ્યસનોને સન્માનીયતા પ્રાપ્ત થઈ છે.

આ વિશે વડિલોએ પણ વિચારવા જેવું છે પણ વડિલો જ વ્યસન મુક્ત નથી તો પછી યુવા પેઢીને શિખામણ કોણ આપે નશો કરવો એ આપણા દેશનો જ પ્રશ્ન નથી પણ વિશ્વના બધા દેશના લોકો આ પ્રકારના નશીલા પદાર્થના વ્યસની બન્યા છે.આજના આધુનિક જમાનાની લોકોની ભાગદોડ વાળી જીંદગીમાં એક બીજાથી ચઢીયાતા બનવા માટે પ્રયત્ન કરે અને આના કારણે હરીફાઇના જમાનામાં તણાવ કે બેચેની અનુભવે આ માંથી મુક્ત થવા માટે નશીલા પદાર્થનું સેવન કરે આ વ્યસનો મજૂરો,ખેડૂતો અને વિધાર્થી ના કિસ્સા વધુ બહાર આવે .વ્યસનના પદાર્થ તમાકુ, દારૂ, ગુટકા, અફીણ, ગાંજૉ, સરસ, હેરોઇન વગેરે ઝેરી પદાર્થ છે.

માણસ કરતા પ્રાણીઓ ચતુર છે કેમકે તે વ્યસન કરતા નથી અને બુધ્ધિ શાળી માણસ પોતે જ રોગોને વ્યસન કરી નોતરે.

વ્યસથી મુક્તિ પામવા માટે વ્યક્તિની ઈચ્છા શક્તિ જ હોય છે જો વ્યસન છોડવુ હોય છતા મક્કમ શક્તિ વધારી તેમનું ધ્યેયે પુરુ કરી શકાય આવા ધ્યેય પ્રાપ્ત કરવા વ્યસનથી મુક્ત થવું પડે વ્યસન આપનું ગુલામ રહેતું નથી.

૩૧મી મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ એટલે કે 'વલ્ડ નો ટોબેકો ડે'ની ઉજવણી કરવામાં આવે છે આજ તમાકુ, ગુટકા, દારૂ જેવા વ્યસનનું પ્રમાણ એટલું વધ્યું છે કે ગામડામાં તો દસ-બાર વરસના છોકરા અને બાળાઓ ત્થા સ્ત્રીઓ પણ વ્યસનની ગુલામ બનવા લાગી છે. આજની આખે આખી યુવાપેઢી આ કીમતી જિંદગીને જોખમમાં મૂકવા લાગી છે.

ગુજરાતમાં જે પ્રમાણે પાન-મસાલા ત્થા ગુટકાનો ઊપયોગ વધી રહ્યો છે તે જોતા ભવિષ્યમાં ફાયબ્રોસીસનુ પ્રમાણ ભયંકર બધી જશે આ પ્રમાણે વસ્તીના 6 થી 9 ટકા જેટલું વધવાની શક્યતા છે.

માણસ શરીરથી પરિશ્રમ કરી ધન કમાય છે તે જ ધનનો વ્યસનોમાં ઊપયોગ કરી પોતે રોગોને નિમંત્રણ આપે જે શરીર દ્વારા પરિશ્રમ કરતો તેજ શરીરને વ્યસનના શિકાર દ્વારા ખોખલૂં બનાવી દેઈ છે...

જે શરીરને ગીતામાં ઈશ્વરનુ મંદિર સમાન ગણવામાં આવ્યું છે અને તેમા ઇશ્વરનો વાસ છે .એટલે કે ભગવાન શ્રી ક્રુષ્ણ ગીતામાં કહયું હુ દરેકના અંદર રહ્યો છૂ પણ માણસ બુધિશાળી કહેવાયઘરમાં ચોર ના ઘૂસીજાય તેમનું પુરતી કાળજી રાખે પણ પોતાના શરીરનુ ધ્યાન રાખતો નથી. વ્યકિત પાપ કરે તો એકલાને જ ખતમ કરે પણ વ્યસન તો આખા પરીવારને ખતમ કરે છે.અને બરબાદ કરી નાખે છે વ્યસન પ્રથમ માલિક બની આવે ને આખા શરીરને ખતમ કરી નાખે અત્યારે નહી તો પછી ક્યારે વ્યસનથી મુક્તિ.

સારું છે તેમને સાચવી આપનાવવુ કચરાના ઢગલા મા વચ્ચે સોનમહોર આ જોતા જ ઉઠાવીએ આ પ્રમાણે જગતમા ખરાબ ભલે ઘણુ બધુ આપણને દેખતું હોય પણ તે વચ્ચે સારુ છે તે આપણે બચાવી લેવુ જોઇએ ખાવા-પીવા જેવી ચીજવસ્તુ ઘણી બધી મૂકી આપણે આપણા મંદિર જેવા પવિત્ર શરીરમા દૂધ પીવાની બદલે શરાબ પીએ ફળ ખાવાને બદલે ગુટકા તમાકુ ખાઈએ તો આજ આપણી ભીતરમાં તપાસ કરી સારુ સંગ્રહ કરવાની જરૂર છે અને આજ વ્યસન માંથી મુક્ત થવાની જરૂર છે.

ભૂલ કરવા માટે કોઇ સમય સારો નથી અને થઈ ગઇલ ભૂલને જો સુધારી લેવી છે તો કોઇ સમય ખરાબ પણ નથી તો આજ માર્ગે ચાલવું જોઇએ.

વ્યસન છોડી કલાનો વિકાસ કર માનવી,

નહીંતર બનશે જિંદગી ઘરથી કબર સુધી.

-રાજેશ બારૈયા "વનવાસી"

   

ગીત :-મારો પતંગ રે . . . .

મારો  પતંગ  રે  મારો  પતંગ,

વહાલો સૌને લાગે મારો પતંગ.

રાતો પીળો ધોળો ને કાળો ,

આકાશે ઉડ  ઉડ કરતો...

કથ્થાઇ કેસરિયો આસમાની, 

આંખોને ઈશારો દેતો....

ચાર  ખૂણીયો વચ્ચે દોરી,

આભલે ઉંચે ચડતો....

આ બાજુથી પેલી બાજુ,

ઉડી ઉડી ને ગુલાટ મારતો..

નાના મોટા સૌને ગમતો,

આકાશમાં રંગો જમાવતો...

પતંગ નો ઇતિહાસ છે લાંબો,

નવરંગો મારો પતંગ પતંગ છે મારો. 

✍રાજેશ બારૈયા "વનવાસી"

એકલતાની અનુભૂતિ

  એકલતાની અનુભૂતિ


તું  નથી હોતી ત્યારે મને,
એકલતાની અનુભૂતિ  થાય છે,
તને કેવળ યાદ કરતો રહું છું.
હું વૃક્ષ ધારીને ખુપાય જાવ ધરતીની વચ્ચે,
તું વેલડી થઈને વિટળાઈ વળે મને.
હું ઘુઘવતો દરિયો હાઉ પણ,
તારા ગયા પછી થય જાય વેરવિખેર.
જેમ ગાતું પંખી વૃક્ષ પરથી ઉડી જાય,
તેમ અહીં સુનુ થાય તારા વગર ઘર.
ચાતકને વરસાદની રાહ હોય,
વનસ્પતિને વર્ષોઋતુંના
આગમનનો ઇન્તજાર હોય તેમ,
મને રહે તારા આવવાનો ઇન્તજાર.

✍રાજેશ બારૈયા "વનવાસી"

દિવાળી આવી

            દિવાળી આવી

દિવાળી આવી દિવાળી આવી , 

સાથે   મજાનો   દીવડા   લાવી . 

રંગોળી  સૌ  અમે  કરીએ , 

                      દિવાળી આવી .

દિવાળી આંબી નવું વરસ લાવી , 

સાથે સાથે આનંદ અનેરો લાવી . 

નવા વરસે સૌને ગળે મળીએ, 

                      દિવાળી આવી .

દિવાળી આવી કપડા નવા લાવી , 

દિવાળી આવી નવલો રંગ લાવી . 

દિવાળી  સૌનો  તહેવાર , 

                     દિવાળી આવી .

દિવાળી આવી રોકેટ દાડમ લાવી, 

દિવાળી મીઠાઈ  અને  મેવા લાવી. 

દિવાળી સૌને ગમે નવું  વરસ ગમે, 

                     દિવાળી આવી .


✍રાજેશ બારૈયા "વનવાસી"

ખોટ લાગશે

          ખોટ લાગશે


થોડા  સમય મારા ગયા  પછી ખોટ લાગશે,
કોઈ   નાજુક  કુણા  હૃદયમાં  પછી  ચોટ લાગશે
જેમ વૃક્ષો  થાય  વસંત સંગ પર્ણહિન,
ડાળ પર કુંપળ અજાણી  ફૂટ પછીલાગશે.
આકાશમાં  ગુલાબી સુરજ સાથે સવાર નીકળે,
એમ લાગણી  હિન લોકોની પછી ભીડ લાગશે.
બંધાયા  હશે બધા યંત્રોની જોખમી  જાળ મહિ
આકાશમાંથી  ઈશ્વરનો સંદેશો વિસ્ફોટ  લાગશે.
સંકેલાય   જશે  પ્રકૃતિ કેરી ભરતી જ્વાળા,
વનમાં  વનવાસી  મિત્રોને  વૃક્ષોની  ખોટ લાગશે.

✍રાજેશ બારૈયા 'વનવાસી'

વનસ્પતિ પરીચય :-બારમાસી

બારમાસી


ઘરના આંગણે, ક્યારા અને બગીચામાં ઉગનારી બારમાસી એક વધારે મહત્વપૂર્ણ ઔષધીય છોડ છે.
જેમા ગુલાબી અને સફેદ એમ બે જાત છે . જેનું વનસ્પતિક નામ કેથેરેન્થસ રોસિયસ છે. આ વનસ્પતિમાં વિન્કામાઈન, વિનબ્લાસ્ટિન, વિન્ક્રિસ્ટીન, બીટા – સીટોસ્ટેરાલ જેવું મહત્વપૂર્ણ રસાયણ મેળવવામાં આવે છે.
=>બારમાસી ના  મૂળમાંથી  અલ્ક્લોઇડ  કાઢવામાં  આવે  છે, અને એ ઘણા  રોગોમાં અને ખાસ  કરી કેન્સર જેવા રોગોમાં ઉપયોગી છે.
=>દુનિયાભરના હર્બલ જાણકારો તેના ઔષધીય ગુણોના વખાણ કરતા થાકતા નથી
હિન્દુસ્તાનમાં આદિવાસી પ્રદેશોમાં પણ આ અનેક મહત્વપૂર્ણ ઔષધીય ઉપાય તરીકે અપનાવવામાં આવે છે.
=>રોજ સવારે નરણા કોઠે ખાઈ જવાથી  ડાયાબીટીસમા રાહત રહે છે.
=>ડાયાબીટીસમા પાંચ પાનના રોજીનાદા ઉપયોગથી મટી જશે. અને સાથે જો  બીલીપત્ર ચાવવામાં આવે તો ઉપાય ની  અક્સીરતા  વધે છે. ગુલાબી કે  સફેદ બંને બારમાસીના પાન ઉપયોગ કરી શકાઈ છે. આ ઉપરાંત સફેદ ફૂલ જો રોજ એક ચાવીને ખાવા તો મેદસ્વીતા  ઘટે છે.

ગીત :-પ્રકૃતિનાં ખોળે રમીએ

પ્રકૃતિના ખોળે રમીએ


આવો બાળદોસ્તો આપણે ,
પ્રકૃતિના  ખોળે  રમીએ .
પતંગિયાંની પાંખે આપણે ,
રંગીન  ફૂલે _ફૂલે  ભમીએ .
વાણિયાનું વિમાન બનાવી ,
ચાંદા મામાને મળવા જઈએ.
આગ્યાને  દોસ્ત  બનાવી ,
તારલિયા જેમ ટમ ટમ કરીએ.
કરોળિયાની  બુદ્ધિ  તેમની ,
જાળમાં  આપણે  જોઈએ .
સુંઘરી  દરજીડાના માળામાંથી,
પાઠો તેમની કરામતના શિખીએ .
વડ  દાદાની  વડવાઇએ   ,
આપણે હીંચકા હીંચકા રમીએ. 
ધરતીનો ખોળો ખુંદી ,
પ્રકૃતિના ખોળે રમીએ .

✍રાજેશ બારૈયા "વનવાસી"
   

વનસ્પતિ પરીચય :શિરીષ /સરસડો

શિરીષ /સરસડો (Albizzia Labbeic)


શિરીષનું નિરૂપણ વિષઘ્ન તરીકે જ કરેલ છે.અલગ – અલગ દશ વિષઘ્ન દ્રવ્યો પૈકી શિરીષ એ શ્રેષ્ઠ છે. 
->પ્રાચીન કાળથી જ વિષ (ઝેર) ઊતારવા માટે શિરીષ વપરાતું રહેલું છે જે આજે પણ ગામડાઓમાં તથા વનવાસી વિસ્તારોમાં ખૂબ જ પ્રચલિત છે.
->આપણા દેશમાં સરસડો એ ઠેરઠેર જોવા મળતી વનસ્પતિ છે અને સરકાર દ્વારા પણ વનીકરણના પ્રોજેક્ટમાં તેનું અવારનવાર વાવેતર થતું રહે છે.બારેમાસ લીલોછમ દેખવાના કારણે તથા ઘટ્ટ પાંદડાંઓની ગોઠવણથી તે સુંદર મજાનો છાંયડો આપવાને કારણે શિરીષ એ ઠેર ઠેર વાવવામાં આવે છે.
->કાળો અને સફેદ સરસડો એમ બે પ્રકારમાંથી કાળો સરસડો એ વિષઘ્ન તરીકે વપરાય છે. 
->મધ્યમ પ્રકારનું ૧૦ થી ૨૦ ફૂટની ઊંચાઈવાળા આ વૃક્ષને પીળાં ફૂલો આવે ત્યારે તે ખીલી ઊઠે છે.શિરીષની અડધાથી એક ફૂટ લાંબી મરુન કલરની શિંગોમાં ૮ થી૧૦ બીજ હોય છે.આ બીજમાં સૌથી વધુ વિષઘ્ન જોવા મળે છે.
-> શિરીષ ના બીજ, છાલ અને પુષ્પનો ઔષધ તરીકે ઊપયોગ થાય છે.
->શિરીષ એ લઘુ, રૂક્ષ અને તીક્ષ્ણ છે. વળી સ્વાદે તૂરો, કડવો અને કંઈક અંશે મધુર પણ છે. તે સ્વભાવે થોડા અંશે ઊષ્ણ છે. આમ તો ત્રિદોષશામક ગુણ ધરાવે છે. વિષઘ્ન કર્મની સાથોસાથ તેનો સમાવેશ વેદનાસ્થાપન – દુખવામાં રાહત આપનાર તથા શિરોવિરેચન એટલે માથાનો ભાર હળવો કરનાર ->મસ્તિષ્કનાં દોષોને દૂર કરનાર છે.
બીજ ૧ થી ૨ ગ્રામની માત્રામાં આપવામાં આવે છે. વિષાકત અવસ્થામાં જ્યારે ઊલટી કરાવવાની હોય ત્યારે શિરીષના રસની છાલના ઊકાળાની તથા બીજના ચૂર્ણની શકય હોય તેટલી વધુ માત્રા આપવી. જેથી જલદીથી ઊલટી થઈને ઝેર બહાર નીકળી જાય. મોટેભાગે વિષઘ્ન પ્રયોગોમાં સહજ – સુલભ હોય તેવા ઠેકાણે જ તેનો ઊપયોગ થતો હોવાથી શિરીષ મોટેભાગે તાજો જ વપરાય છે
->શિરીષનાં તાજાં, લીલાં પાનનો રસ કાઢી વારંવાર એક-એક કપ પીવડાવતાં રહેવું. ઊલટી કરાવવાની હોય તો મોટી માત્રમાં એક સાથે રસ પીવડાવવો અને જરૂર જણાય તો તેમાં મીંઢણનું ચૂર્ણ કે 
અરીઠાનું પાણી પણ ઊમેરવાથી જલદીથી ઊલટી થવા લાગશે.
->સર્પદંશના સ્થાન પર શિરીષના બીજનો અથવા તો શિરીષના પાનની લુગદીનો લેપ કરવાથી
સોજો અને વેદના ઓછી થાય છે.
->શિરીષની આંતરછાલનું ચૂર્ણ ૧-૧ ચમચી અથવા બીજનું ચૂર્ણ ૧ થી ૨ ગ્રામની માત્રામાં આપવું ઘીનું અનુપાન એ સર્પવિષમાં શ્રેષ્ઠ ગણાય છે તેથી ૧૦ ગ્રામ જેટલા ચૂર્ણને ૧૦૦ ગ્રામ ઘી જેટલી માત્રામાં આપવું ફાયદાકારક છે.

Tuesday, April 16, 2019

પ્રથમ મુલાકાત

   પ્રથમ મુલાકાત 

તને પ્રથમ મળ્યાનું યાદ છે,
વરસાદમાં ભીંજાયાનું યાદ છે.
તને ફૂલ આપ્યાનું યાદ છે,
પછી મુખ મલકાયાનું યાદ છે.
તારા ગાલમાં ખંજન પડીયાનું યાદ છે,
પછી આંખોમાં લાગણીનું પૂર યાદ છે.
તારી ઝુકેલ ગરદન મારા પર યાદ છે,
પછી વિટાયેલ તારી કાયા યાદ છે.
આ સ્મરણ તાજું કરવાનું યાદ છે,
પછી વાંસતી વાયરા માં જુદાઈ યાદ છે.

- રાજેશ બારૈયા "વનવાસી"
       

આર્ટિકલ :પ્રેમ ઉત્સવ

        પ્રેમ ઉત્સવ 


પ્રેમમાં તો પાગલ થવાનું હોય છે,


બંધ આંખે બધું જોવાનું હોય છે.


દર વર્ષે આપણે ૧૪ ફેબ્રુઆરી 'વેલેન્ટાઈન ડે'તરીકે ઉજવીએ તો પ્રેમ વિશે થોડી વાતો કરીએ. પ્રેમ એટલે પ્રકૃતિને એનો સુંદર ખોળો, પ્રેમ એટલે માતાની ઝરમર આંખડી, પિતાની બાથ, બહેનની બાંધેલ હાથે રાખડી, પ્રેમ એટલે જીવનની સાધના, પ્રેમ એટલે પત્નીનો કોમળ હાથ, પ્રેમ એટલે ઈશ્વરે મોકલેલો માણસો માટેનો અદભૂત અનુભવ આ અનુભવમાં નદીની ભીનાશ છે, ફૂલોની સુગંધ છે, સૂર્યનું તેજ છે. શિયાળાનો ભેજ પણ છે, હવાનો સ્પર્શ છે તો વરસાદનું વહાલ છે. વૃક્ષનો છાંયાડો છે. પ્રેમ જ કુદરત છે. કારણ કુદરતના બધા અનુભવો પ્રેમમાંથી પ્રગટ થાય છે અને આથી જ પ્રેમએ ઈશ્વરનું સ્વરૂપ છે.

કારણ કે કોઇ ફૂલ પોતની સુગંધ ક્યારેય પોતાની પાસે સંગ્રહી રાખતું નથી. પ્રેમ ફૂલ જેવો છે. પ્રેમમાં બીજા જ મહત્વના છે કારણ કે પ્રેમ ભાવનો વિષય છે. હ્રદયની વાત છે અને હ્રદય ભાવોથી સુગંધી બને છે. જ્યારે ભાવ એક હદયથી બીજા હદય તરફ ગતિ કરે ત્યારે પ્રેમ કહેવાય હદય એક બાગ છે અને ભાવો એ ફૂલો છે. એટલે રવીન્દ્રનાથ ટાગોર કહે;

"પૈસા અને પ્રેમ વચ્ચેનો તફાવત એટલો જ કે

પૈસાને સાચવવા પડે છે જ્યારે પ્રેમ આપણને સાસવે છે."

આજ સુધી પ્રેમની શક્તિ માપવાનું, કોઇ યંત્ર બન્યું નથી મુઠી જેવડા હદયની શક્તિ એ છે કે તે પહાડ જેવડા માણસને પણ ઝુકાવી શકે નહીં આથી પ્રેમની શક્તિનું કોઇ માપ નીકળી શકે નહી જેમ આકાશ વિશે પણ આપણે માહિતી નથી આપી શકતા એમ પ્રેમ વિશે પણ આપણે અચોક્કસ છીએ આથી સુરેશ દલાલ કહે છે.

"રાત-દિવસનો રસ્તો વ્હાલમ નહી તો ખુટે કેમ ?

તમે પ્રેમની વાતો કરજો, અમે એમ કરીશું પ્રેમ."

પ્રેમ એ અનુભૂતિ છે, પણ એ અભિવ્યકિત ત્યારે જ બને જ્યારે કોઇની ઉપર તેને ઢોળવામાં આવે કોઇના પર ઢોળવામાં આવેલો પ્રેમ જ વાસ્તવિક બની શકે છે. પ્રેમ સોના જેવો છે એક જ સોનામાંથી અનેક ઘરેણા ઘડાય છે પછી તેનું જુદુ નામકરણ થાય છે વિંટી, બૂટી, હાર જેવા નામથી ઓળખાય પ્રેમ એકાંતમાં અનેકતા છે. અનેકતામાં એકતા પ્રેમનું લક્ષણ છે. આવો પ્રેમ જ વસ્તવિક પ્રેમ છે તેથી એ સહકાર રૂપે, ક્ષમારૂપે, સમર્પણરૂપે દેખાય જેમ શરૂઆતમાં કહ્યું તેમ પ્રેમ વાદળ જેવો છે તેનો આકાર બદલાય છે.

પ્રેમમાં બેઉ જરૂરી છે જેમ નદીને માટે કિનારો જરૂરી છે તેમ કિનારાની માર્યાદા લઈ લેવાય તો ? નદીની મસ્તી વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે એવું જ પ્રેમનું છે. પ્રેમની મસ્તી અલગારી હોય પણ માર્યાદા સૂક્તો નથી પ્રેમ મસ્તી સદ્ ગુણોમાં રજૂથાય પ્રેમ જ એવો છે કે એમાં ઉડવાનું મનથાય કારણ પ્રેમમાં કલ્પના વગર જીવી શકાય નહીં. કોઇ કવિએ કહ્યું છે...

"પ્રેમ માટે ઊંડો ભાવ જોઇએ,

કલ્પનાની એક નાવ જોઇએ.

બીજુ કશું નથી ચાહતો એ,

મન-હદયનો લગાવ જોઇએ."

રાધાએ પ્રેમ કર્યો પછી માત્ર કષ્ણનો વિરહ અનુભવ્યો, જાનકીજીએ લગ્ન પછી રામનો વિરહ વનવાસ અનુભવ્યો, ઊર્મિલાએ પાંપણ પટ પટાવ્યા વગર લક્ષ્મણની રાહ જોઇ પ્રેમ સ્થળ નથી જોતો ! આંખોની ઝળહળમાં સમયના પૂરને ડુબાડી દે છે. પ્રેમ કોઇને સુધારી નથી શકતો જેવા છીએ એવા અપનાવવાનું કામ કરે છે. પ્રેમમાં પડેલા બે વ્યકતત્વોમાં કષ્ણનો કલરવ અને રાધાનો રાસ પ્રગટે છે. મીરાએ એકતાર લઈ પ્રેમ ગાયો, તો નરસિંહ મહેતાએ કરતારમાં ઘુટયો છે ભક્તિનું પાત્ર છે ઈશ્વર પ્રેમ કરનાર તથા પ્રેમનું પાત્ર એ બે વિના પ્રેમ થઈ શકે નહીં વળી પ્રેમનું પાત્ર પ્રથમ તો આપણા પ્રેમનો પ્રત્યુતર આપે એવી કોઇ એક વ્યકિત હોવી જોઇએ તેથી પ્રેમમય ઈશ્વર અમુક અર્થમાં માનવી ઈશ્વર હોવો જોઇએ તે પ્રેમ ઈશ્વર હોવો જોઇએ. આપણે સ્વયમ પ્રેમના વિચાર તરફ વળીએ અને પ્રેમને ત્રિકોણ તરીકે લઈએ તો પાયો પ્રથમ ખૂણો નિર્ભયતા ભય હોય ત્યાં સુધી પ્રેમ નથી ,પ્રેમ ભયને દૂર કરે છે પોતાના બાળક બચાવવા માતા વાઘની સામે પણ થશે, ત્રિકોણનો બીજો ખૂણો અયાચકતા પ્રેમ કદી માંગતો નથી પ્રેમનો ત્રીજો ખૂણો એ જ પ્રેમ છે. કેવળ પ્રેમની ખાતર જ પ્રેમ કરે છે. જેમાં પ્રેમપ્રતિ પ્રેમથતો હોય એ પાત્ર તેવું એકમાત્ર સ્વરૂપ પ્રેમ છે આ ઊઁચામાં ઊંચોભાવ છે અને એ નિવિશેષ સ્વરૂપ છે અહીં જ ભક્તિ પ્રગટે છે... પ્રેમ માપવાનો એક જ ઉપાય પ્રેમ આપવાની શરૂઆત કરી દો બધુ ભૂલી જઈ પ્રેમમાં ઝંપલાવો.અને પ્રેમ ઉત્સવ માનાવો.

- રાજેશ બારૈયા "વનવાસી"
      

પ્રેમ તત્વ

   પ્રેમ તત્વ


આરંભથી અમર થયેલ તત્વ,
એ જ પ્રેમ છે.
ધોધમાર વરસતો વસંતમાં,
સૌંદર્યની ધારા પ્રેમ! છે.
અંત નથી એવા ઈશ્વરનો ,
અંશ પ્રેમ છે.
સંબંધોની માયાજાળમાં,
બંધાયેલ પ્રેમ છે.
પતંગિયા અને ફૂલનો,
નાતો અજોડ પ્રેમ છે.
બે દિલોની મુસાફરીનો ,
એક રસ્તો પ્રેમ છે.
કૃષ્ણ અને રાધાનો રાસનો ,
રંગત તાલ પ્રેમ છે.
મીરાના ઝેરના કટોરા માં,
અમૃતની મીઠાશ પ્રેમ છે.
વનવાસી એ ખાધેલા બોરમાં,
શબરીની શ્રદ્ધા પ્રેમ છે.
પંખીના માળાનો આશ્રો વૃક્ષો,
મૌનની એ હુંફ પ્રેમ છે.

✍રાજેશ બારૈયા "વનવાસી"

વૃક્ષ

            વૃક્ષ

લીલા પાન લહેરાવતું વૃક્ષ,
શાખા નો વિસ્તાર બનતું વૃક્ષ.
તાપમાં છાંયડો આપતું વૃક્ષ,
હવાને શુધ્ધ બનાવતું વૃક્ષ.
સંકટમાં અડીખમ ઊભું વૃક્ષ,
કુહાડીના ઘા જીલતું મુંગુ વૃક્ષ.
અહીં - તહી બધે ઊગતું વૃક્ષ,
પક્ષીનું મધુર ગીત બનતું વૃક્ષ.
વનવાસી ને વાચા આપતું વૃક્ષ,
જન્મથી મૃત્યું સુધી સાથી વૃક્ષ.

✍રાજેશ બારૈયા "વનવાસી"

ભારતીય સૈનિક

ભારતીય સૈનિક


હાથમાં બંદુક ગન,
મા ભોમની રક્ષણ કાજે,
ખપવાની છે મનમાં તમન્ના,
પ્રેમીઓ પ્રેમમાં પાગલ છે.
યુવા અવસ્થાને ખોવા પણ,
જેને મા ભોમનાં કામમાં છે ..
ફના થવાની હામ એવા છે,
ધરતી પર મહાન સુભાષ, ગાંધીજી,
ભગતસિંહ,ચંદ્રશેખર, જેવા અનેક મહાન,
વનોના વતનમાં વસે વનવાસી,
રક્ષે વન્ય સંપદા વનોની વનસ્પતિ,
તે પણ માં ધરતીને બચાવે છે.
ભારતીય સૈનિક છે, સર્વનો સ્નેહી,
નમન વારંવાર મા ભોમને, સૈનિક ને.

-રાજેશ બારૈયા "વનવાસી"
           

સુગંમ જીવન

જ્યા એક મેકનો સાથ મળે 

ત્યા 

જીવન સુગમ સરળ બને છે . 

  -રાજેશ બારૈયા "વનવાસી "

વૃક્ષ સાવ અંગત

      વૃક્ષ સાવ અંગત


પ્રેમની શોધમાં તું નીકળે એ ખરૂ,
તારામાં ઈશ ભળે તો એ ખરૂ.
તું પ્રેમના સાગરની નાવ છો,
માર હલેસા કાંઠે નીકળે એ ખરૂ.
જીંદગીના હર ક્ષણ ભંગુર છે,
તું ચાલતો રહે સત્ય એ ખરૂ.
અહિં તો રાતમાંથી સવાર પડી,
જીવનને ખુશાલ બનાવ એ ખરૂ.
વૃક્ષ સાવ અંગત એ જ શ્વાસ છે,
પ્રકૃત્તિને પ્રેમ કરે વનવાસી એ ખરૂ.

– રાજેશ બારૈયા ‘વનવાસી’

પાનખરનો પડકાર

  પાનખરનો પડકાર


નીલ ગગન પર્વતમાં ,
ખાખરાના ફૂટતા કેસરી ફાગણમાં .
યુગ યુગથી બંધ જોગી જાગ્યા ,
હવે વનની વસંત માં...
ફૂલે ફૂલે ભમવાના આમંત્રણમાં .
ફૂલ સૂંઘણી ને ક્યા ? સમય છે .
તેથી સ્વાગતમાં કોયલ છે .
કહે મોટેથી અહીં વસંત આવી ,
જાણે અહીં રંગની રમતાણ આવી .
વૃક્ષો-વૃક્ષોનાં પુષ્પો સુવાસિત છે .
ત્યારે પતંગિયાની અહીં પહેર  છે .
 'વનવાસી'ની વાત જેણે જાણી,
તેણે ફાગણની ફોરમ માણી .

- રાજેશ બારૈયા "વનવાસી"

Monday, April 15, 2019

વનસ્પતિ પરીચય :મીંઢળ

મીંઢળ 

મીંઢળઃ સંસ્કૃતમાં મદનફળ તરીકે જાણીતું (વૈજ્ઞાનિક :randia dumetorum )
મધ્યમ કદનું ક્ષુપ પાનખર સૂકા જંગલો પડતર વિસ્તારમાં થડ ઉપર કાંટા સાથે જોવા મળે છે .
શરૂઆતમાં સફેદ ફૂલ અને બાદમાં પીળા ફૂલ થાય છે .
 -કૃમિનાશક,મરડામાં, છાલનો લેપ ખિલ,સંધીવાના સાંધા ઉપર પીડાહારક ,
મરડામાં મૂળની છાલ  જંતુનાશક અને હાડ઼કાના દુ:ખાવામાં વપરાય છે .
મૂળ તથા ફળ સર્પદંશના ઉપચારમાં ઉપયોગી છે .
- મીંઢળ લગ્ન પ્રસંગે વરકન્યાને હાથે અને માણેકસ્તંભ સાથે બાંધવામાં આવે છે.

કવિતા :કલશૉર

       કલશોર

હવાની  આર-પાર કલશોર
નજરની આર-પાર કલશોર
જાઉ ગમે ત્યાં તારી  જ વાત
પતંગિયાને પુષ્પ પર કલશોર
શ્વાસમાં  કોઈનો આભાસ ભર્યા
આકાશમાંથી ઝરમર પડે કલશોર
હૃદય દરીયો બનીને વલોવાય
વમળોમાં પણ નીકળે કલશોર
બચાવી લો મુસીબતમાં કોઈ
પીછું અજાણ્યું ખરે થાય કલશોર
જીવ્યો છું કાદવમાં કમળ બની
જુદાયમાં મિલનનો થાક કલશોર.

- રાજેશ બારૈયા ''વનવાસી'' 


નથી ગમતી

   નથી  ગમતી

જિંદગી વળાંકના મુકામે નથી ગમતી,
એકાંતમાં બેસી વાત નથી ગમતી.
વૃક્ષને સગી આંખે જોયું મેં રોતા,
પાનખરની વેદના પાનને નથી ગમતી.
સાંજ તારા માટે ઢળતી નથી વરસોથી
જીવું કેમ માણસની ભીડ નથી ગમતી.
ઓળખો તમારામાં સમાયો તો છું
નજીવી વાતમાં  ફરિયાદ નથી ગમતી.
લાંબી સફર સપનામાં જો થાય તો
વનવાસીને  દુવાઓની  અસર  નથી ગમતી.

- રાજેશ બારૈયા ''વનવાસી''

જંગલ

કટો  કટ  કપાય  રહ્યું  છે જંગલ , 

હજુ ક્યા સમજાય રહ્યું જંગલ .


  -રાજેશ બારૈયા "વનવાસી"

મુક્તક :પ્રેમમાં

પ્રેમમાં


પ્રેમમાં  તો પાગલ  થવાનું  હોય છે,

બંધ આંખે બધુ ભાળવાનું હોય છે.

હયાતી નથી સ્વપ્ન મજાનું હોય છે,

પળે-પળ યાદોના અજવાળા હોય છે .

-રાજેશ બારૈયા "વનવાસી "

વાર્તા :વૃક્ષા રોપણ

વૃક્ષારોપણ 

         ગોવિંદપૂર નામનું સુંદર અને ગોકુળીયું ગામ. પાદરે નદી અને નદી કાંઠે વડના ઝાડ ગામમાં મજાની શાળા. અને શાળામાં બધા કાર્યક્ર્મમો થાય અને સુંદર શિક્ષણ અપાય. તેમાં આકાશ અને તરૂ બન્ને ખુબ હોશિયાર બાળકો. પાર્થના, બાળગીતો વગેરે ગવડાવે રવિવારની રજામાં દિવસે નદી કાંઠાના વડ પર રમવા જાય .

એક દિવસ આકાશે તરુને કહ્યુ, 'તને ખ્યાલ છે આ વડ કોણે રોપેલા ?

તરૂ કહે, 'ના મને નથી ખ્યાલ.

આકાશ કહે, 'તારા દાદાજીએ આ વડ નાનપણમાં વાવેલા. તેના કારણે કેવા આપણે અહીં રમીએ.

ઘણી વાર વિચાર કરી તરૂ કહે, 'દોસ્તો આપણે પણ વૃક્ષા રોપણ કરવું જોઈએ.'

આકાશ અને તરૂ રવિવારની રજામાં મિત્રો સાથે શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવા નીકળી પડ્યા. બપોર સુધી દરેક મિત્રોએ હોંશે હોંશે કામ કર્યું.

બીજા દિવસે શાળામાં શિક્ષક પૂછવા લગ્યા, 'આ વૃક્ષો કોણે વાવ્યા ?

આકાશ અને મિત્રો કહે અમે સાથે મળી આ કામ કર્યું છે. અમે પાણી આપીશું અને ધ્યાન રાખશું. પછી તો વધારે મિત્રો આ કામમાં જોડાયા. અને વર્ષો પછી આજે આ શાળા હરીયાળી અને રૂડી લાગે છે.

Sunday, April 14, 2019

ગીત :છોડને આવ્યું ફૂલડુ

દિવ્યભાસ્કરની બાળ ભાસ્કર પૂર્તિમાં મારું ગીત 

વિચાર :સમય

સમય 

પેલાના સમયમાં 

કશું નહોતું 

સમય હતો 

અત્યારના સમયમાં 

બધું છે પણ 

સમય નથી ।

-રાજેશ બારૈયા "વનવાસી "

વનસ્પતિ પરીચય :અશ્વગંધા

અશ્વગંધા:


અશ્વગંધા એક વનસ્પતિ છે .
હિંદીમાં આ છોડને સામાન્ય રીતે અસગંધ કહેવામાં આવે છે. લેટિનમાં એનું નામ વિધાનિયા સોમ્નીફેરા છે. આ વનસ્પતિનો છોડ બે હાથ જેટલી ઊઁચાઈ ધરાવતો હોય છે. વિશેષ કરીને વર્ષા ઋતુમાં પેદા થાય છે, પરંતુ કેટલાંક સ્થાનો પર બારે માસ ઉગતા હોય છે. આ વનસ્પતિના છોડ પર અનેક શાખાઓ નિકળતી હોય છે અને ઘુંઘચી જેવા લાલ રંગનાં ફળ વરસાદના અંત અથવા શિયાળાના પ્રારંભમાં જોવા મળે છે. એનાં મૂળ લગભગ એક ફુટ લાંબા, મજબુત, ચિકણાં અને કડવાં હોય છે. બજારમાં ગાંધી જેને અશ્વગંધા કે અશ્વગંધાનાં મુળ કહીને વેચતા હોય છે, તે ખરેખર તેનાં મૂળ નહીં, પણ અન્ય વર્ગની વેલનાં મૂળ હોય છે, જેને લૈટિન ભાષામાં કૉન્વૉલ્વુલસ અશ્વગંધા કહેવામાં આવે છે. આ મૂળ ઝેરીલાં નથી હોતાં, પરંતુ અશ્વગંધાનાં મૂળ ઝેરીલાં હોય છે. અશ્વગંધાનો છોડ ચાર પાંચ વર્ષ જીવિત રહેતો હોય છે. તેનાં મૂળમાંથી અશ્વગંધા મળે છે, જે ખુબ જ પુષ્ટિકારક છે.
રાજનિઘંટુ ગ્રંથમાં જણાવ્યા અનુસાર અશ્વગંધા ચરપરી, ગરમ, કડવી, માદક ગંધયુક્ત, બળકારક, વાતનાશક અને ખાંસી, શ્વાસ, ક્ષય તથા વ્રણને નષ્ટ કરનારી છે. તેનાં મુળ પૌષ્ટિક, ધાતુપરિવર્તક તથા કામોદ્દીપક છે; ક્ષયરોગ, બુઢાપાની દુર્બળતા તથા ગઠિયાના રોગમાં પણ આ લાભદાયક છે. અશ્વગંધા વાતનાશક તથા શુક્રવૃદ્ધિકર આયુર્વેદિક ઔષધિઓમાં મુખ્ય છે. શુક્રવૃદ્ધિકારક હોવાને કારણે આને શુક્રલા પણ કહેવામાં આવે છે.
રસાયણિક વિશ્લેષણ દ્વારા એમાં સોમ્નિફ઼ેરિન અને એક ક્ષારતત્વ તથા રાળ અને રંજક પદાર્થ મળે છે.

એક ગ્લાસ બકરીના દૂધમાં એટલૂં જ પાણી ઉમરી, એક ચમચી અશ્વગંધાનું ચુર્ણ અને સાકર નાખી પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળી સવાર-સાંજ ક્ષયના મુખ્ય ઔષધો સાથે પીવાથી જલદી ફાયદો થાય છે. જેમનું શરીર ખુબ જ પાતળું-કૃશ પડી ગયું હોય તથા વજન વધતું જ ન હોય તેઓ પણ આ ઉપચાર કરી શકે.

વનસ્પતિ પરીચય :શંખપુષ્પી



શંખપુષ્‍પી

સૌરાષ્‍ટ્રમાં શંખાવલી (શંખપુષ્‍પી, શંખાહુલી) નામની મગજશક્તિવર્ધક વનસ્પતિનાં છોડ અનેક સ્થળે ખાસ કરી ચોમાસા પછી ઉગી નીકળેલ જોવા મળે છે. ઘણી જગ્યાએ તે બારે માસ જોવા મળે છે. તેના છોડ ૨ થી ૬ ઈંચ ઊંચા વધી જાય પછી તેની શાખાઓ જમીન પર પથરાય છે. કદીક આ શાખાઓ ૪ થી ૬ ફુટ લાંબી થાય છે. તેની ડાળીઓ પાતળી સુતળી જેવી અને પાન બહુ જ નાના અર્ધા થી દોઢ ઈંચ લાંબા અને પા થી અર્ધો ઈંચ પહોળા હોય છે. પાનની બંને સપાટી પર સુંવાળા ધોળા વાળની રૂંછાળ હોય છે. પાનના ટેરવા બુઠ્ઠા હોય છે. તેની પર સફેદ કે ઘેરા ગુલાબી રંગના રકાબી જેવાં ગોળ, ઘંટાકૃતિના અને સવારે ઉઘડતા ફૂલ થાય છે. તેની ત્રીજી જાત શ્યામ કે ભૂરી અથવા કાળા રંગના ફૂલોવાળી થાય છે. જેને વૈદ્યો નીલપુષ્‍પી કે લઘુ વિષ્‍ણુક્રાન્તા કહે છે. 
ગુણધર્મો :
શંખાવલી કડવી, તૂરી, ઠંડી, વાયુ અને પિત્તશામક, મેઘાશક્તિવર્ધક, રસાયન, અવાજ સુધારનારી, વશીકરણ સિદ્ધ દેનારી, મળ-મૂત્ર સારક, પુષ્ટિ-વીર્ય વર્ધક, મનના રોગો મટાડનારી, યાદશક્તિ, વર્ણકાન્તિ, બળ અને જઠરાગ્નિવર્ધક અને ખાંસી, પિત્ત, વાયુ, વિષ, વાઈ (ફેફરું), કોઢ તથા કૃમિ મટાડનારી છે. શંખાવલી, મેઘાવર્ધક, આયુસ્થાપક, માંગલ્યપ્રદ અને સર્વ ઉપદ્રવનાશક તથા સો વર્ષ જીવાડનારી છે. ચિકિત્સાકાર્યમાં સફેદ પુષ્‍પોવાળી ઉત્તમ ગુણકારી છે, જે સૌરાષ્‍ટ્રમાં થાય છે. સફેદ પુષ્‍પની શંખાવલી વાયુ-પિત્તશામક છે. જ્યારે શ્યામ પુષ્‍પની (વિષ્‍ણુક્રાન્તા) કફ-વાતદોષ શામક છે. માનસિક દર્દોની તમામ દવાઓમાં શંખાવલી અવશ્ય વપરાય છે.
ઔષધિ પ્રયોગ :
(૧) ગાંડપણ તથા વાઈ (ફેફરું) : શંખાવલીના ૨૫ ગ્રામ રસમાં કોઠાનું ૨ ગ્રામ ચૂર્ણ અને મધ ૧-૨ ચમચી નાંખી રોજ બે વાર પીવું.
(૨) કફ-વાયુની ઉલટી : શંખાવલીનો રસ કે તેનાં ચૂર્ણમાં જરીક મરી ચૂર્ણ નાંખી, મધ નાંખી વારંવાર પીવું.
(૩) ત્રિદોષથી થયેલ ઉદર રોગ : શંખાવલી રસમાં સિદ્ધ કરેલું ઘી રોજ પાવું.
(૪) મેઘા (શાસ્ત્રો સમજી શકવાની શક્તિ) અને બુદ્ધિ વધારવા માટે : શંખાવલીનું ચૂર્ણ ૫ ગ્રામ જેટલું રોજ મધમાં ચાટી ઉપરથી દુધ પીવું. બધી મેદ્ય દવાઓમાં શંખાવલી ઉત્તમ છે.
(૫) નસકોરી વાટે કે મુખથી લોહી પડવું : કાળા ફૂલની શંખાવલીનું ચૂર્ણ સાકર સાથે ખાઈ, ઉપરથી દૂધ પીવું. ખોરાક મીઠા-મરચા-રહિત સાત્વિક-સાદો રાખવો.
(૬) ગાંડપણ-ચિત્તભ્રમ, હિસ્ટીરીયા : શંખાવલીનો રસ કે તેનું ચૂર્ણ ૩ ગ્રામ, ઉપલેટ (કઠ)નું ચૂર્ણ ૨ ગ્રામ અને વજ ૧ ગ્રામ રોજ મધ સાથે સવાર-સાંજ લાંબો સમય લેવું.
(૭) યાદશક્તિ વધારવા : શંખાવલીના પાનનું ચૂર્ણ ૩ થી ૬ ગ્રામ જેટલું સાકરવાળા દૂધમાં સવારે-રાતે ૫-૬ માસ લેવું. તેથી ખૂબ લાભ થશે.

સુવિચાર

દવાની અસર રોગ પર થાય એમ 

પ્રાર્થના ની અસર મન પર થાય. 

-રાજેશ બારૈયા "વનવાસી "

મુક્તક

સાંજનું શાંત સરોવળ

સૂર્ય ની વિદાય

પંખીઓનો કલરવ

પ્રકૃતિ નું અનુપમ સૌંદર્ય

છોડ પર ઝુકેલ ફૂલોની લતાઓ

પ્રકૃતિ સાથે બેઠો હું

માણવા પ્રકૃતિ એક લો


-રાજેશ બારૈયા "વનવાસી "🌿🌿

કાવ્ય :ભક્તિ

ભક્તિ 

નદી કિનારે ઊભેલું

બીલીનું વૃક્ષ

મહાદેવના દર્શન કરવા

આતુર છે

પણ ત્યાં સુધી તે જઈ નથી શકતું

તે અહિ જ ઊભું ઊભું મંદિરનો

ઘંટનાદ સાંભળે છે

તેથી પોતના પર્ણને

નદીના પાણીમાં વહેતું મૂકી

મહાદેવ સુધી પોતની

શ્રધ્ધા પહોચાડે છે

ભગવાન પણ

સ્વીકારે આ તેમની

ભક્તિ પ્રેમથી.

-રાજેશ બારૈયા "વનવાસી "

અછંદાસ કાવ્ય :સૃષ્ટી

            સૃષ્ટી 

આ શબ્દ કાને પડતાં જ

આંખ સામે આવી જાય

પ્રકૃતિના તત્વ

વૃક્ષોના વનો

સાગર, પર્વત, પક્ષી - પ્રાણી વગેરે

પણ સારૂં !

આ સંસારમાં પ્રકૃતિના તત્વો

જેવું મૂલ્યવાન વસ્તુ

બીજું કોઈ જ નથી કારણ કે

ખુદ પરમાત્મા સ્વરૂપ દરેકમાં છે

તો શા માટે ? તેમનું જતન ન કરવું

આ દરેક તત્વમાં ઈશ્વરનાં દર્શન

થતાં જ રહે છે.

આ મૂલ્યવાન સૂષ્ટિનો

ખુલો ખજાનો એટલે જ

"પ્રકૃતિ."

-રાજેશ બારૈયા "વનવાસી "

આર્ટિકલ :સમયની કિંમત

સમયની કિંમત 

     સમય સાથે પળેપળ જીવતા શીખો અત્યારે જે પળ છે તે ધડીકમાં ચાલી જવાની છે. પ્રત્યેક પળ આનંદમાં વિતાવો તમે કેટલું જીવ્યા છો તે અગત્યનું નથી તમે કેટલૂં જીવી જાણ્યા છો તે અગત્યનું છે.

આપણને દરેકને દિવસના ચોવીસ કલાકનો સમય મળે છે. પછી ભલે સામન્ય માણસ હોય કે રાષ્ટ્રપતિ દરેક માટે તો દિવસના ચોવીસ કલાક જ હોય છે. આપણે આ ચોવીસ કલાક કેવી રીતે વાપરીએ છીએ તે તપાસીએ તો આપણને આપણો સમય યોગ્ય રીતે વાપરીયો કે એને વેડફી નાખ્યાનો ખ્યાલ આવશે.

મારું માનવું ત્યા સુધી દરેક માણસની અાધ્યાત્મિક શાંતિ અને મનના સમતુલન માટે ધ્યાન અને પ્રાર્થના માટે સમય ફાળવવો ખૂબ જ જરૂરી છે. એમાં સવારે વહેતા ઊઠી ભગવાનની આરાધના સાંજે સૂતા પહેલા આખા દિવસનું મૂલ્યાકન કરવામાં સમય ફાળવવામાં આવે તો આરામથી સુઇ શકાય અને આ રસ્તે ચાલનાર લોકોને કદી અનિદ્રાનો અહેસાસ થતો નથી.

સમયની ફાળવણીમાં દરેક માણસની રસરૂચિ હોય છે. દાખલા તરીકે સમય મળે ત્યારે કંઈક વાંચવું, સંગીત સાંભળવું, ગાવું, વાજિત્રો વગાડવા, રમવુ આવા શોખ હોય તો તે શોખ પાછળ પણ બધો સમય વેડફાય ના જાય તેમનું પણ ધ્યાન રાખવું જોઇએ.

મારું માનવું છે કે દરેક માણસે ખુદ પોતાના માટે અને પોતાના કુટુંબ માટે પણ સમય ફાળવવો જોઇએ પોતાની જાત માટેના સમયમાં પોતાના શરીર અને આરોગ્યની કાળજી અને કુટુંબ માટે ના સમયમાં દરેકના ક્ષેમ સમાચાર, આશા, અરમાન જાણી શકાય સિધ્ધી સહકાર ભાગીદારી આવા સહકારથી કુટુંબને પૃથ્વી પરનું સ્વર્ગ બનાવી શકાય. તો જ આ જિંદગીનો અહેસાસની અનુભૂતિ થાય છે. પોતાની જાત માટે પણ સમય હોવો તબિયત, યોગ્ય ખોરાક અને આરામ માટે સમય ફાળવવો જોઇએ પછી એવું ના વિચારવું પડે કે એ સૌથી શ્રેષ્ઠ સમય હતો કે સૌથી ખરાબ સમય હતો. એ કયો જમાનો હતો જયા મારો સમયનો ક્યાક ગોટાળો હતો. બાઈબલમાં એક જગ્યાએ ખૂબ સારુ લખ્યુ છે. વધુ નિયમ સમયે થાય છે.

- જન્મવવાનો સમય અને મરવાનો સમય.

- રોપવાનો સમય અને ઉખેડવાનો સમય.

- રડવાનો અને હંસવાનો સમય.

- ભેટવાનો સમય અને જુદા પડવાનો સમય .

- ફોડવાનો સમય અને સાંધવાનો સમય.

- પ્રેમ કરવાનો સમય અને દ્વેષ કરવાનો સમય.

- ઈશ્વરની સંગતનો સમય અને કુંટેવ પાછળનો સમય.

તો સમય સાથે સમય ના ફૂલને હંમેશા ખિલતું રાખવુ જોઇએ.
 સમય સાથે ચાલતા અને જીવતા શિખો.

-રાજેશ બારૈયા "વનવાસી "


ધારણા

ધારણાની પેલે પાર ધારવાનું  બંધ કર , 

ખુલી આંખે સપના જોવાનું બંધ કર . 

    -  રાજેશ બારૈયા"વનવાસી "

કવિતા :વસંત સંગાથે

વસંત સંગાથે 

કૂંપળ ફૂટે  છે  વૃક્ષને ,
વસંત સંગાથ.
ઉપવન સોગાદ બની જાય,
વસંત સંગાથે.
વૃક્ષ મહેકી ઊઠે  ફૂલોથી
 વસંત સંગાથે.
પંખીઓ મીઠા ગીતો ગાઈ,
વસંત સંગાથે.
પ્રેમલ વર્ષા વરસે અનરાધાર,
વસંત સંગાથે.
ભીંજાઈ અહીં સૌ રંગથી,
વસંત સંગાથે.
વનસ્પતિ તત્વમાં રંગ ખીલે,
વસંત સંગાથે.
વનસ્પતિ તે રંગે રંગાઇ ,
વસંત સંગાથે.
કોયલ વન-ઉપવન બોલે,
વસંત સંગાથે.
વનસ્પતિ નવનિર્મિત બને,
વસંત સંગાથે.
આ વસંત નો વિસ્તાર છે.
 જીવન આખું.
સૌના જીવન નો આધાર,
વસંત સંગાથે.

   - રાજેશ બારૈયા "વનવાસી"

પ્રેમની ક્ષણ

પ્રેમની ક્ષણ


પ્રેમની ક્ષણ જીવનમાં
ખરેખર અદ્ભુત છે
ચાહું છું તને દિલથી
એ વાત હકીકત છે.
સૌંદર્ય તારું કેવું ભવ્ય !
જાણે ચાંદનીનું તેજ લ્યો.
પણ આમ તો સમય આ
કેટલો સુંદર લાગે વનવાસી !
ચોતરફ તારું પ્રેમનું વન છે.
જોવા આ નઝારો થાકતી
નથી મારી આ બે આંખો
એટલે તો જીવનની હર
ક્ષણ તારી સંગ માણી.

- રાજેશ  બારૈયા "વનવાસી"

        

વનસ્પતિ પરીચય :સત્યાનાશી


દારૂડી (સત્યાનાશી)Argemone mexicana

ફોટો સ્થળ :ખિરસરા વીડિવિસ્તાર
(3/10/2018)

મિત્રો

સંબંધોથી અમે સદા સાથી રહેવાના , 

અમે મિત્રો ગમે તે હલે ખુશ રહેવાના .

                -રાજેશ બારૈયા "વનવાસી"

બીજ પોસ્ટ અભિયાન 2023-2024

  🌱ગૂજરાતની  પ્રથમ  બીજ  બેંક🌱 વંદે વસુંધરા  બીજ બેંક દ્વારા 2019 થી  ચાલતુ વિનામુલ્યે બીજ વિતરણ બીજ પોસ્ટ અભિયાન ....... બીજ પોસ્ટ અભિયાન...