Sunday, April 14, 2019

વનસ્પતિ પરીચય :શંખપુષ્પી



શંખપુષ્‍પી

સૌરાષ્‍ટ્રમાં શંખાવલી (શંખપુષ્‍પી, શંખાહુલી) નામની મગજશક્તિવર્ધક વનસ્પતિનાં છોડ અનેક સ્થળે ખાસ કરી ચોમાસા પછી ઉગી નીકળેલ જોવા મળે છે. ઘણી જગ્યાએ તે બારે માસ જોવા મળે છે. તેના છોડ ૨ થી ૬ ઈંચ ઊંચા વધી જાય પછી તેની શાખાઓ જમીન પર પથરાય છે. કદીક આ શાખાઓ ૪ થી ૬ ફુટ લાંબી થાય છે. તેની ડાળીઓ પાતળી સુતળી જેવી અને પાન બહુ જ નાના અર્ધા થી દોઢ ઈંચ લાંબા અને પા થી અર્ધો ઈંચ પહોળા હોય છે. પાનની બંને સપાટી પર સુંવાળા ધોળા વાળની રૂંછાળ હોય છે. પાનના ટેરવા બુઠ્ઠા હોય છે. તેની પર સફેદ કે ઘેરા ગુલાબી રંગના રકાબી જેવાં ગોળ, ઘંટાકૃતિના અને સવારે ઉઘડતા ફૂલ થાય છે. તેની ત્રીજી જાત શ્યામ કે ભૂરી અથવા કાળા રંગના ફૂલોવાળી થાય છે. જેને વૈદ્યો નીલપુષ્‍પી કે લઘુ વિષ્‍ણુક્રાન્તા કહે છે. 
ગુણધર્મો :
શંખાવલી કડવી, તૂરી, ઠંડી, વાયુ અને પિત્તશામક, મેઘાશક્તિવર્ધક, રસાયન, અવાજ સુધારનારી, વશીકરણ સિદ્ધ દેનારી, મળ-મૂત્ર સારક, પુષ્ટિ-વીર્ય વર્ધક, મનના રોગો મટાડનારી, યાદશક્તિ, વર્ણકાન્તિ, બળ અને જઠરાગ્નિવર્ધક અને ખાંસી, પિત્ત, વાયુ, વિષ, વાઈ (ફેફરું), કોઢ તથા કૃમિ મટાડનારી છે. શંખાવલી, મેઘાવર્ધક, આયુસ્થાપક, માંગલ્યપ્રદ અને સર્વ ઉપદ્રવનાશક તથા સો વર્ષ જીવાડનારી છે. ચિકિત્સાકાર્યમાં સફેદ પુષ્‍પોવાળી ઉત્તમ ગુણકારી છે, જે સૌરાષ્‍ટ્રમાં થાય છે. સફેદ પુષ્‍પની શંખાવલી વાયુ-પિત્તશામક છે. જ્યારે શ્યામ પુષ્‍પની (વિષ્‍ણુક્રાન્તા) કફ-વાતદોષ શામક છે. માનસિક દર્દોની તમામ દવાઓમાં શંખાવલી અવશ્ય વપરાય છે.
ઔષધિ પ્રયોગ :
(૧) ગાંડપણ તથા વાઈ (ફેફરું) : શંખાવલીના ૨૫ ગ્રામ રસમાં કોઠાનું ૨ ગ્રામ ચૂર્ણ અને મધ ૧-૨ ચમચી નાંખી રોજ બે વાર પીવું.
(૨) કફ-વાયુની ઉલટી : શંખાવલીનો રસ કે તેનાં ચૂર્ણમાં જરીક મરી ચૂર્ણ નાંખી, મધ નાંખી વારંવાર પીવું.
(૩) ત્રિદોષથી થયેલ ઉદર રોગ : શંખાવલી રસમાં સિદ્ધ કરેલું ઘી રોજ પાવું.
(૪) મેઘા (શાસ્ત્રો સમજી શકવાની શક્તિ) અને બુદ્ધિ વધારવા માટે : શંખાવલીનું ચૂર્ણ ૫ ગ્રામ જેટલું રોજ મધમાં ચાટી ઉપરથી દુધ પીવું. બધી મેદ્ય દવાઓમાં શંખાવલી ઉત્તમ છે.
(૫) નસકોરી વાટે કે મુખથી લોહી પડવું : કાળા ફૂલની શંખાવલીનું ચૂર્ણ સાકર સાથે ખાઈ, ઉપરથી દૂધ પીવું. ખોરાક મીઠા-મરચા-રહિત સાત્વિક-સાદો રાખવો.
(૬) ગાંડપણ-ચિત્તભ્રમ, હિસ્ટીરીયા : શંખાવલીનો રસ કે તેનું ચૂર્ણ ૩ ગ્રામ, ઉપલેટ (કઠ)નું ચૂર્ણ ૨ ગ્રામ અને વજ ૧ ગ્રામ રોજ મધ સાથે સવાર-સાંજ લાંબો સમય લેવું.
(૭) યાદશક્તિ વધારવા : શંખાવલીના પાનનું ચૂર્ણ ૩ થી ૬ ગ્રામ જેટલું સાકરવાળા દૂધમાં સવારે-રાતે ૫-૬ માસ લેવું. તેથી ખૂબ લાભ થશે.

No comments:

Post a Comment

બીજ પોસ્ટ અભિયાન 2023-2024

  🌱ગૂજરાતની  પ્રથમ  બીજ  બેંક🌱 વંદે વસુંધરા  બીજ બેંક દ્વારા 2019 થી  ચાલતુ વિનામુલ્યે બીજ વિતરણ બીજ પોસ્ટ અભિયાન ....... બીજ પોસ્ટ અભિયાન...